Thursday, May 1, 2008

લાગ્યો કસુંબીનો રંગ-





લાગ્યો કસુંબીનો રંગ-
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ . રાજ.
બહેનીનાં કંઠે નતરતાં હાલરડામાં
ધોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ . રાજ.
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધિનતાની કબરોમાં
મહેંક્યો કસુંબીનો રંગ . રાજ.
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ . રાજ.
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુકતિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ . રાજ.
પીડિતની આંસુડાધારે - હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ . રાજ.
ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ . રાજ.
ઘોળી ઘોળી પ્યાલા ભરિયાં: રંગિલાં હોં!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલા હોં!
લેજો કસુંબીનો રંગ;
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ-
લાગ્યો કસુંબીનો રંગ.

– ઝવેરચંદ મેઘાણી

1 comment:

Unknown said...

Hi.......Kapil
Today I visit your blog.
It's very NICE.
Keep it & go ahead.
It's a blessing for Gujarati-loving people.
Thanks a lot.

Dilip Lakkad
New Jersey USA.