Friday, May 30, 2008

રંગાઇ જાને રંગમાં…..



રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

Thursday, May 1, 2008

લાગ્યો કસુંબીનો રંગ-





લાગ્યો કસુંબીનો રંગ-
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ . રાજ.
બહેનીનાં કંઠે નતરતાં હાલરડામાં
ધોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ . રાજ.
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધિનતાની કબરોમાં
મહેંક્યો કસુંબીનો રંગ . રાજ.
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ . રાજ.
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુકતિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ . રાજ.
પીડિતની આંસુડાધારે - હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ . રાજ.
ધરતીના ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ . રાજ.
ઘોળી ઘોળી પ્યાલા ભરિયાં: રંગિલાં હોં!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલા હોં!
લેજો કસુંબીનો રંગ;
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ-
લાગ્યો કસુંબીનો રંગ.

– ઝવેરચંદ મેઘાણી

Monday, March 10, 2008

શિવાજીનું હાલરડુ





ગાયકઃ અરવિંદ બારોટ, મીના પટેલ
સંગીતઃ પંકજ ભટ્ટ, પ્રભાત બારોટ

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ -
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી - શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે - શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા - શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે - શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની - શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા ! - શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે - શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે - .શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી - શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા - શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા - શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.

-ઝવેરચંદ મેઘાણી

Wednesday, December 19, 2007

ભજન કરે તે જીતે


વજન કરે તે હારે રે મનવા !
ભજન કરે તે જીતે।

તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે ?
રે મનવા, ભજન કરે તે જીતે।

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે:
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછી તે ?
રે મનવા, ભજન કરે તે જીતે।

આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા ?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતેરે મનવા,
ભજન કરે તે જીતે।

વજન કરે તે હારે રે મનવા !ભજન કરે તે જીતે।
– મકરન્દ દવે

Thursday, November 8, 2007

મારો નવો બ્લોગ

મિત્રો મારો નવો બ્લોગ ટુક સમયમાં ચાલુ થવાનો છે.
જેમા તમે માણી શક્શો જુના અને જાણીતા ભજનો.